ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયા આ અઠવાડિયે રવાના થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ટેસ્ટ મેચ સિવાય લીમીટેડ ઓવરોની સીરીઝ પણ રમશે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઓપનર લોકેશ રાહુલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તેને લઈને શંકા યથાવત છે. જો લોકેશ રાહુલ રમી શકશે નહીં તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે.

નોંધનીય છે કે ભારતીય ટીમે ગત વર્ષની બાકી રહેલી સિરીઝની એકમાત્ર ટેસ્ટ મેચ 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ અગાઉ સાઉથ આફ્રિકા સામેની 5 ટી20 મેચોની સીરીઝ માટે લોકેશ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ લોકેશ રાહુલ પ્રથમ ટી-20 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ લોકેશ રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

લોકેશ રાહુલની બહાર થયા બાદ ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. આ અગાઉ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL માં પ્રથમ વખત ગુજરાત ટાઇટન્સે ટાઈટલ જીત્યું હતું. કેપ્ટનશીપ ઉપરાંત હાર્દિક પંડ્યાએ બેટ અને બોલ બંનેમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં 15 મેચમાં 458 રન બનાવ્યા હતા, જ્યારે બોલિંગમાં 8 બેટ્સમેન આઉટ થયા હતા.