ભારતીય ટીમે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 3 રનથી હરાવી દીધું હતું, પરંતુ ભારતીય ટીમ પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમ પર મેચ ફીનો 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે, ભારતીય કેપ્ટન શિખર ધવને સ્લો ઓવર રેટને લઈને ભૂલ સ્વીકારી લીધી છે. આ દંડ મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય કેપ્ટન પર લગાવ્યો હતો.

વાસ્તવમાં, ભારતીય ટીમ દ્વારા નિર્ધારિત સમય સુધીમાં 1 ઓવર ઓછી નાખવામાં આવી હતી. આ રીતે ખેલાડીઓ સિવાય સપોર્ટ સ્ટાફ પર મેચ ફીનો 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડેમાં ભારતીય ટીમે યજમાન વેસ્ટ ઈન્ડિઝને 3 રનથી હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 15 રનની જરૂરીયાત હતી, પરંતુ મોહમ્મદ સિરાજે તે ઓવરમાં માત્ર 11 રન બનાવ્યા હતા. તે સમયે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રોમિયો શેફર્ડ અને ઓકીલ હોસેન ક્રિઝ પર હતા.

જ્યારે આ અગાઉ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે, આ પહેલા યજમાન વેસ્ટ ઈન્ડિઝને બાંગ્લાદેશ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. જ્યારે, વર્ષ 2018 થી, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે સતત 6 ODI મેચ હારી ચુકી છે.