ટીમ ઈન્ડિયાએ વનડે સીરીઝની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવી દીધું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1 થી પોતાના કરી લીધી છે. ઋષભ પંતે માન્ચેસ્ટરમાં રમાયેલી ત્રીજી વનડેમાં અણનમ સદી ફટકારી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીના કારણે બંનેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો.

ભારત માટે ઈંગ્લેન્ડમાં પાંચમી વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીના મામલે પંત અને પંડ્યાની જોડી ચોથા સ્થાને આવી ગઈ છે. આ બંને વચ્ચે 133 રનની ભાગીદારી થઈ હતી. આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની જોડી પ્રથમ સ્થાન પર છે. વર્ષ 2011 માં બંને ખેલાડીઓ વચ્ચે 169 રનની ભાગીદારી નોંધાઈ હતી. જ્યારે આ પછી બંનેએ 2014 માં 144 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ઋષભ પંતે 113 બોલમાં અણનમ 125 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે પંડ્યાએ 55 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે આ મેચ 42.1 ઓવરમાં જીતી લીધી હતી.

ઈંગ્લેન્ડમાં ભારત માટે 5 મી વિકેટ માટે સૌથી વધુ ODI ભાગીદારી –

169 – ધોની/રૈના (2011)

144 – ધોની/રૈના (2014)

141 – એ જાડેજા/આર સિંહ (1999)

133 – હાર્દિક/પંત (2022)