ટીમ ઈન્ડિયાએ ઓવલમાં શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરીઝમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા અને શિખર ધવનના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો. રોહિત અને ધવનની જોડીએ ODI માં ઓપનર પાર્ટનર તરીકે 5000 રન પૂરા કર્યા હતા. આ ઓપનિંગ જોડી ભારત માટે વનડેમાં સૌથી વધુ રનની ભાગીદારીના મામલે બીજા સ્થાન પર છે.

શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ ઓવલ વનડેમાં ઓપનર પાર્ટનર તરીકે 5000 રન પૂરા કર્યા હતા. આ મામલામાં તેણે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની જોડીને પાછળ છોડી દીધી છે. સચિન અને સેહવાગે વનડેમાં પાર્ટનર તરીકે 3919 રન બનાવ્યા હતા. જ્યારે ધવન અને રોહિતે 5000 થી વધુ રન બનાવ્યા છે. આ મામલામાં સચિન અને ગાંગુલીની જોડી ટોચ પર છે. બંનેએ 6609 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડની ટીમ લંડન વનડેમાં પ્રથમ બેટિંગ કરતા 111 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. તેણે 3 મેડન ઓવર પણ ફેંકી હતી. જવાબમાં ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 18.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. રોહિતે અણનમ 76 અને ધવને અણનમ 31 રન બનાવ્યા હતા.

વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનિંગ જોડી –

6609 – સચિન/ગાંગુલી

5108 – ધવન/રોહિત

3919 – સચિન/સેહવાગ