ભારતે T20I સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 4-1થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ 88 રને જીતી હતી. અર્શદીપ સિંહને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટ ઝડપી છે. મેચ બાદ અર્શદીપે પોતાના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કોચ રાહુલ દ્રવિડ વિશે પણ એક ખાસ વાત કહી હતી.

અર્શદીપ સિંહે મેચ બાદ કહ્યું કે, “શાનદાર લાગી રહ્યું છે. રાહુલ (દ્રવિડ) સર કહે છે, તેમ અમે એક પ્રક્રિયા હેઠળ પસાર થઈ રહ્યા છીએ. અમે પ્રક્રિયાને યોગ્ય રીતે કરવા માંગીએ છીએ, પરિણામો વિશે વધુ વિચારશો નહીં અને તે જ મારી બોલિંગમાં મદદ કરે છે.

ટીમ ઈન્ડિયામાં તેની ભૂમિકા અંગે તેમણે કહ્યું છે કે, મને સ્પષ્ટતા આપવાનો શ્રેય ટીમ મેનેજમેન્ટને જાય છે. યુવાનોને જે રીતે સમર્થન આપવામાં આવી રહ્યું છે તે સારું છે, ડ્રેસિંગ રૂમની લાગણી ખરેખર સારી છે. એક યુવા ખેલાડી તરીકે, તમે IPL ટીમ અથવા રાજ્યની ટીમમાં જે રીતે પ્રદર્શન કરો છો, તે આગળ વધવામાં મદદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી T20માં ભારતે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રેયસ અય્યરે 40 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 8 ફોર અને 2 સિક્સર સામેલ હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.