વેસ્ટ ઈન્ડીઝના ઓપનર બેટ્સમેન જોન કેમ્પબેલ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેમ્પબેલને એન્ટી ડોપિંગ નિયમોના ઉલ્લંઘન કરવા બદલ આ કઠોર સજા મળી છે. જમૈકા એન્ટી ડોપિંગ કમિશન દ્વારા દોષિત જાહેર થયા બાદ કેમ્પબેલને ચાર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

જમૈકા એન્ટિ-ડોપિંગ કમિશનની ત્રણ-સદસ્યની સ્વતંત્ર પેનલે કેમ્પબેલ પર ચાર વર્ષ માટે પ્રતિબંધ મૂકતો 18 પાનાનો નિર્ણય આપ્યો છે. નિર્ણય આપતી વખતે, પેનલે કહ્યું કે, જ્હોન તેના નમૂના સબમિટ કરી શક્યો ન હતો અને તેણે તેના માટે ઇનકાર પણ કર્યો હતો. તેણે એન્ટી ડોપિંગનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કમિશન અનુસાર, કેમ્પબેલને ડોપિંગની શંકા હતી અને જ્યારે તેનો બ્લડ રિપોર્ટ માંગવામાં આવ્યો ત્યારે તેણે તે આપવાનો ઇનકાર કર્યો હતો.

કેમ્પબેલ ડોપિંગથી બચવા માટે પોતાના બચાવમાં કોઈ પુરાવા આપી શક્યો ન હતો. તેણે જાણીજોઈને ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેમ્પબેલ પર લાદવામાં આવેલ આ પ્રતિબંધની ગણતરી 10 મેથી કરવામાં આવશે, કારણ કે ઉલ્લંઘનની સૂચના ત્યારે જ આપવામાં આવી હતી.

કેમ્પબેલને વેસ્ટ ઈન્ડિઝના ખતરનાક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે, તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 20 ટેસ્ટ, 6 વનડે અને 2 ટી20 મેચ રમી છે. તેણે વર્ષ 2019 માં ડબલિનમાં આયર્લેન્ડ સામે 179 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેમને આજે પણ તેની ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે. તેણે આ જ મેચમાં શાઈ ઓપ સાથે 365 રનની રેકોર્ડ ભાગીદારી પણ કરી હતી. આ ODI ઇતિહાસમાં સૌથી મોટી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ પણ છે.