ગુરુવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાની બીજી T20 મેચની ટિકિટના વેચાણને લઈને ભારે હોબાળો થયો હતો. અહીં 12 જૂને રમાનારી T20 ઈન્ટરનેશનલ મેચ માટે ટિકિટના વેચાણ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે આગળની હરોળમાં ઉભેલી કેટલીક મહિલાઓ એકબીજાથી લડવા લાગી હતી. આવી સ્થિતિમાં ટિકિટ ખરીદવા આવેલા ક્રિકેટપ્રેમીઓને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, કેટલીક મહિલાઓ આ હરોળમાં આગળ આવી હતી. જેના કારણે ટિકિટના વેચાણને લઈને હોબાળો થયો હતો, ત્યારબાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

2019 પછી અહીં આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. એટલા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટિકિટના વેચાણ દરમિયાન, ચાહકો એટલા ક્રેઝી હતા કે તેઓ આકરા તડકામાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. આખરે તેની ધીરજ તૂટી ગઈ.

અધિક જિલ્લા પોલીસ કમિશનર પ્રમોદ રથે જણાવ્યું હતું કે, લગભગ 40,000 લોકો ટિકિટ ખરીદવા અહીંના બારાબતી સ્ટેડિયમના કાઉન્ટર પર આવ્યા હતા, જ્યારે માત્ર 12,000 ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ હતી. આ દરમિયાન પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો જેથી ટિકિટ વેચાણની પ્રક્રિયા સરળતાથી ચાલી શકે.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મહેમાન ટીમે 212 રનના લક્ષ્યાંકને 19.1 ઓવરમાં ત્રણ વિકેટે પ્રાપ્ત કરી લીધો હતો. ડેવિડ મિલરે 64 અને રેસી વેન ડેર ડ્યુસેને 75 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 131 રન જોડ્યા હતા. આ પહેલા ભારતીય ઇનિંગ્સમાં ઇશાન કિશને સૌથી વધુ 76 રન બનાવ્યા હતા.