ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં નવી પસંદગી સમિતિની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ BCCI પસંદગી સમિતિના નવા અધ્યક્ષ બની શકે છે. બોર્ડ હાલમાં પસંદગી સમિતિના તમામ સભ્યોની પસંદગીને અંતિમ ઓપ આપી રહ્યું છે. અને વેંકટેશ પ્રસાદના નામની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે.

InsideSports અનુસાર, BCCI ના એક સૂત્રએ જણાવ્યું છે કે, ‘નવી પસંદગી સમિતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ મહિનાના અંત પહેલા નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવશે. વેંકટેશ પ્રસાદ સૌથી અનુભવી ક્રિકેટરોમાંથી એક છે જેમણે આ પદ માટે પોતાનું નામ નોંધાવ્યું છે. આ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી. પરંતુ નવી ચીફ સિલેક્શન કમિટી તરીકે વેંકટેશને દરેકના વિશ્વાસનો મત મળવાની શક્યતા છે.

બીસીસીઆઈના સૂત્રે એમ પણ કહ્યું છે કે, ‘નવી પસંદગી સમિતિની જાહેરાત પહેલા, સીએસી આવતા અઠવાડિયાથી શોર્ટલિસ્ટ કરાયેલા તમામ ક્રિકેટરોના ઈન્ટરવ્યુ લેશે. ઇન્ટરવ્યુ પછી જ તે ફાઇનલ થશે. જ્યારે તમને જણાવી દઈએ કે, ચેતન શર્માએ પણ પસંદગી સમિતિના અધ્યક્ષ પદ માટે અરજી કરી છે. જો કે, તેને આ જવાબદારી ફરીથી મળશે કે કેમ તે ઇન્ટરવ્યુ પછી ચર્ચા કરવામાં આવશે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદની કારકિર્દી શાનદાર રહી છે. તેમણે પોતાની કારકિર્દીમાં ભારત માટે કુલ 161 વનડે રમી છે. આ મેચોમાં તેણે 196 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ તેણે 33 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ દરમિયાન તેણે 96 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે, વેંકટેશ પ્રસાદે પણ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે અરજી કરી છે. જો કે તેઓ મુખ્ય કોચ ન બની શક્યા, પરંતુ તેમની જગ્યાએ રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા.