ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝન માટે કોચીમાં પણ ટૂંક સમયમાં હરાજી યોજાશે. આ પહેલા પંજાબ કિંગ્સે એક મોટી જાહેરાત કરી છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી બ્રેડ હેડિનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેની સાથે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ચાર્લ લેંગવેલ્ડને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફર બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન બ્રેડ હેડિનને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તે એક અનુભવી ખેલાડી રહ્યો છે અને તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 126 વનડેમાં 3121 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે. હેડિને 34 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. જેમાં તેણે 402 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તે આઈપીએલ મેચ પણ રમી ચુક્યો છે.

ભૂતપૂર્વ ઝડપી બોલર લેંગવેલ્ડને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી લેંગેવેલ્ટે 73 વનડેમાં 101 વિકેટ લીધી છે. તેણે 6 ટેસ્ટ મેચમાં 16 વિકેટ લીધી છે. મહત્વની વાત એ છે કે તે IPL માં 7 મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 13 વિકેટ ઝડપી છે. તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ 2011 માં રમી હતી. આ મેચમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.