વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ, પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે બેલગ્રેડમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. તેણે બુધવારે અહીં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ અગાઉ વર્ષ 2019 માં પણ વિનેશે આ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ વખતે વિનેશ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ મોંગોલિયાની ખુલાન બતખુયાગથી હારીને ફાઈનલની રેસથી બહાર થઈ ગઈ હતી. ફાઈનલમાં ખુલનની એન્ટ્રી બાદ વિનેશને રેપેચેજ રાઉન્ડમાં રમવાની તક મળી અને અહીં તેણે એક પછી એક મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. છેલ્લી મેચમાં તેણે સ્વીડનની એમા જોઆના માલ્મગ્રેનને 8-0 થી હરાવ્યું હતું.
તાજેતરમાં કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ મોંગોલિયન રેસલર સામે હાર્યા બાદ ઘણી નિરાશ થઈ ગઈ હતી. તેણીએ પ્રથમ રિપેચેજ રાઉન્ડમાં કઝાકિસ્તાનની ઝુલીડ્જ ઇશિમોવાને 4-0 થી હરાવ્યું હતું. ત્યાર બાદ આગામી મેચમાં અઝરબૈજાનની તેની વિરોધી કુસ્તીબાજ લૈલા ગુરબાનોવા ઈજાગ્રસ્ત થવાને કારણે, તેને સીધી બ્રોન્ઝ મેડલ મેચમાં પહોંચવાની તક મળી હતી.
57 કિગ્રા વજન વર્ગમાં સરિતા મોરે તેની પ્રથમ મેચ જીતી હતી પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 59 કિગ્રા વજન વર્ગમાં માનસી અહલાવતનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો. તેને રિપેચેજ રાઉન્ડમાં પણ તક મળી ન હતી. 68 કિગ્રા વજન વર્ગમાં નિશા દહિયા ગુરુવારે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્રવેશ ઉતરશે. બીજી તરફ 72 કિગ્રા વજન વર્ગમાં રિતિકા તેના પહેલા રાઉન્ડમાં હારી મળી ગઈ છે.