વિરાટ કોહલીએ બુધવારે એશિયા કપ 2022 માં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે હોંગકોંગ સામે 44 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વર્ષે તે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદી હતી. આ ફિફ્ટી સાથે વિરાટે પોતાના સાથી ખેલાડી રોહિત શર્માના એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી લીધી હતી. T20 ઈન્ટરનેશનલ માં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલે વિરાટ કોહલી હવે રોહિત શર્માની બરાબરી પર પહોંચી ગયો છે. બંને ખેલાડીઓ એ ટી20માં 31-31 વખત 50+ સ્કોર બનાવી ચુક્યા છે.

તેમ છતાં વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દરેક રીતે તમામ ખેલાડીઓ કરતા ઘણો આગળ હતો. કોહલી રન, સ્ટ્રાઈક રેટ, બેટિંગ એવરેજ, 50+ સ્કોરમાં તે બધામાં આગળ હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ હોવાના કારણે વિરાટ કોહલી પાછળ રહી ગયો છે. જો કે, તેમ છતાં, વિરાટ કોહલી હજુ પણ એક હજારથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં શ્રેષ્ઠ બેટિંગ એવરેજ ધરાવે છે. T-20 ઇન્ટરનેશનલ માં વિરાટની બેટિંગ એવરેજ 50.77 છે. આ મામલામાં તેના પછી પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન નો નંબર આવે છે. રિઝવાન ની બેટિંગ એવરેજ 50.14 છે.

T20 માં ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે વિરાટ કોહલી

વિરાટ કોહલીએ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 3402 રન બનાવ્યા છે. તે ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ક્રમે છે. અહીં રોહિત શર્મા (3520) નંબર વન અને માર્ટિન ગુપ્ટિલ (3497) નંબર બે પર રહેલા છે. વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં 137.12 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલી માટે અત્યાર સુધી એશિયા કપ 2022 ઘણો સારો સાબિત થયો છે. તેણે હોંગકોંગ સામેની અડધી સદી પહેલા પાકિસ્તાન સામે 35 રનની ઇનિંગ પણ રમી હતી. આવી સ્થિતિમાં, વિરાટ હાલમાં એશિયા કપ 2022 માં લીડ સ્કોરર છે. વિરાટે અત્યાર સુધી બે મેચમાં 120.51 ના સ્ટ્રાઈક રેટ થી 94 રન બનાવી ચુક્યા છે.