વિરાટ કોહલી જૂનમાં દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 શ્રેણીમાં ગેરહાજર રહી શકે છે. પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેને આરામ આપવાના મૂડમાં છે. કેટલાક અન્ય સિનિયર ખેલાડીઓને પણ શ્રેણીની પ્રથમ બે કે ત્રણ મેચો માટે આરામ આપવામાં આવી શકે છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.

BCCIના અધિકારીએ જણાવ્યું છે કે, “સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. તે ઘણું ક્રિકેટ રમી રહ્યા છે અને લાંબા સમયથી બાયો બબલમાં છે. વિરાટ કોહલી સહિતના વરિષ્ઠ ખેલાડીઓ માટે એક નીતિ બનાવવામાં આવી છે કે, તેમને સમયાંતરે જરૂરી બ્રેક આપવામાં આવી શકે છે.”

IPL બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 9 જૂનથી 19 જૂન સુધી કુલ 5 T20 મેચ રમાશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા જૂન-જુલાઈમાં યુકેના પ્રવાસે જશે. ભારતીય ટીમ પહેલા આયર્લેન્ડ સામે T20 સિરીઝ રમશે અને પછી 2021માં ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સિરીઝની બાકીની એક મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની શ્રેણી પણ રમાશે.

વિરાટ કોહલી છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલ કોહલી આ વખતે IPLમાં પણ ફોર્મમાં જોવા મળી રહ્યા નથી. અત્યાર સુધી તે 12 મેચમાં 19.63 ની બેટિંગ એવરેજથી માત્ર 216 રન જ બનાવી શક્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 111.34 રહ્યો છે.