વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમીને સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ તેની ODI કારકિર્દીની 44મી સદી છે. વનડે ક્રિકેટમાં સદી માટે વિરાટને લાંબી રાહ જોવી પડી હતી. સાડા ત્રણ વર્ષથી વધુ સમય બાદ તે વનડેમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. વિરાટ કોહલી તેની છેલ્લી સદી ઓગસ્ટ 2019 માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી. ત્યારથી તે 25 વનડે રમ્યો પરંતુ આ સમયગાળા દરમિયાન તે સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટે હવે 26 મી વનડેમાં પ્રથમ વખત સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ODI ક્રિકેટમાં લગભગ ત્રણ વર્ષ અને ત્રણ મહિના બાદ તેના બેટમાંથી સદી નીકળી છે. પોતાની સદીની ઇનિંગ્સમાં કિંગ કોહલીએ 11 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ચિત્તાગોંગમાં પોતાની સદી પૂરી કરતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 72 મી સદી ફટકારીને પોટિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે માત્ર સચિન તેંડુલકર જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેનાથી આગળ છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ સતત બીજી વખત સિક્સર ફટકારીને સદી પૂરી કરી છે. તેણે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 71મી સદી પૂરી કરી હતી. અને આજે બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં વિરાટે સિક્સર ફટકારીને તેની 72 મી સદી પૂરી કરી હતી. આ સિવાય તેણે ચટગાંવમાં એક હજાર રન પણ પૂરા કર્યા હતા.