ભારતીય ટીમે એશિયા કપમાં પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન ટીમને હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 101 રનના વિશાળ અંતરથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 8 વિકેટે 111 રન બનાવી શકી હતી.

પરંતુ આ મેચ વિરાટ કોહલી માટે ખાસ રહી હતી. કેમકે ભારત માટે વિરાટ કોહલી 61 બોલમાં અણનમ 122 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ પોતાની આ ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી. આ વિરાટ કોહલીની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ સદી હતી. તેની વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 71મી સદી

વાસ્તવમાં, વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ 71 મી સદી છે. પૂર્વ ભારતીય કેપ્ટનના T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધીમાં 104 T20 મેચ રમી છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 51.94 ની એવરેજ અને 138.38 ની ઈકોનોમીથી 3584 રન બનાવ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટનનો સર્વોચ્ચ સ્કોર અણનમ 122 રન છે, જે તેણે આજે અફઘાનિસ્તાન સામેની મેચમાં બનાવ્યો હતો. આ સિવાય વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં 1 સદી અને 32 અડધીસદી ફટકારી છે. તેમજ આ ફોર્મેટમાં તેણે અત્યાર સુધીમાં 319 ફોર અને 104 સિક્સર ફટકારી છે. તેની સાથે આ મેચમાં વિરાટે T20 ઇન્ટરનેશનલમાં 3500 રન પણ પૂરા કરી લીધા છે. આવું કરનાર તે રોહિત શર્મા બાદ બીજા બેટ્સમેન બની ગયા છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 32 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.

વનડે ફોર્મેટમાં કિંગ કોહલીનો રેકોર્ડ

આંકડા દર્શાવે છે કે, વિરાટ કોહલીનું પ્રદર્શન વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં પણ મજબૂત રહ્યું છે. ODI કરિયરની વાત કરીએ તો વિરાટ કોહલીએ અત્યાર સુધી 262 ODIમાં 57.68ની એવરેજ અને 92.84ની સ્ટ્રાઈક રેટથી 12344 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રન રહ્યો છે. આ સિવાય વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 43 સદી અને 64 અડધી સદી ફટકારી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 126 સિક્સર અને 1159 ચોગ્ગા ફટકાર્યા છે.