ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં પરત ફર્યા છે. એશિયા કપ 2022 પહેલા તેના ખરાબ પ્રદર્શનને કારણે તેની ઘણી ટીકા થઈ હતી. પરંતુ તેણે એશિયા કપમાં પોતાનું ફોર્મ પાછું મેળવ્યું હતું. હાલમાં જ પૂર્વ ક્રિકેટર રોહન ગાવસ્કરે કોહલી પર પ્રતિક્રિયા આપી છે. રોહન ગાવસ્કરે જણાવ્યું છે કે, ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવા માટે કોહલી સારો વિકલ્પ છે. આ માટે કેએલ રાહુલે પોતાની સ્થિતિ સાથે સમાધાન કરવું પડશે.

રોહને કોહલીને ઓપનર તરીકે રમવા વિશે કહ્યું, “જો કોહલીને ઓપનિંગ કરવાની તક મળે છે, તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ હશે. જો તમે T20 ના આંકડાઓ પર નજર નાખો તો તે ઘણા સારા છે. તેની સરેરાશ 55-57 છે અને તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 160 છે. આ ખૂબ સારા નંબર્સ છે. તેની છેલ્લી અણનમ 122 રનની ઇનિંગ્સ દર્શાવે છે કે તે ઓપનિંગમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે.

તેમણે જણાવ્યું છે કે, જો કોહલી ઓપનિંગ કરશે તો કેએલ રાહુલે અલગ રસ્તો અપનાવવો પડશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે રાહુલ સંપૂર્ણ ખેલાડી છે. આ પછી સૂર્યકુમાર યાદવને નંબર 3 પર અજમાવી શકાય છે. તે ચોક્કસપણે મુશ્કેલ પરિસ્થિતિ હશે, પરંતુ તે સારી રહેશે.

ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2022 માં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ રમશે અને ત્યારબાદ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જશે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપમાં કોહલી પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે.