વિરાટ કોહલી તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વિરાટ લગભગ ત્રણ વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યા નથી. ભારતીય ટીમ 1 જુલાઈએ એજબેસ્ટન ખાતે ટેસ્ટ મેચ રમવા ઉતરશે ત્યારે તમામની નજર કોહલી પર રહેશે. તેની પાસેથી ચાહકો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 ઇનિંગ્સમાં સદીની અપેક્ષા રાખે છે. 950 દિવસથી વિરાટની સદીની રાહ જોવાઈ રહી છે.

વિરાટ કોહલીએ છેલ્લી સદી 22 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં ફટકારી હતી. ત્યાર બાદ વિરાટે કોલકાતાના ઈડન ગાર્ડનમાં 136 રનની ઈનિંગ રમી હતી. તે મેચ બાદ કોહલીએ 17 ટેસ્ટ, 21 ODI અને 25 T20 ઈન્ટરનેશનલ રમી છે, પરંતુ એક પણ સદી ફટકારી શક્યો નથી. એજબેસ્ટનમાં રાહ પૂરી થઈ શકે છે.

વિરાટે 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર બેટિંગ કરી હતી. તેણે સીરીઝમાં બે સદી ફટકારી હતી. કોહલીએ એજબેસ્ટનમાં પ્રથમ દાવમાં 149 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેણે નોટિંગહામ ખાતે બીજી ઇનિંગમાં 103 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, ચાહકોને આશા હશે કે, આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એજબેસ્ટનમાં તેની સદીના દુકાળનો અંત લાવશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 થી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન ખાતે ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ સીરીઝનો ભાગ હશે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમી રહી હતી. ત્યારબાદ પાંચમી મેચ કોરોનાના કારણે યોજાઈ શકી ન હતી. ચાર ટેસ્ટમાં ભારત 2-1થી આગળ હતું.

વિરાટે વર્તમાન સીરીઝમાં 218 રન બનાવ્યા છે. તેણે ચાર ટેસ્ટની સાત ઇનિંગ્સમાં 31.14 ની એવરેજથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી બે અડધી સદી નીકળી હતી. આ પ્રદર્શન તેની પ્રતિષ્ઠા પર આધારિત નથી. કોહલી એજબેસ્ટન ટેસ્ટમાં સદી ફટકારીને સીરીઝને શાનદાર રીતે સમાપ્ત કરવા માંગશે.