ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ હવે તેમની બીજી ઈનિંગની તૈયારી શરૂ કરી દીધી છે. ક્રિકેટ બાદ તે રેસ્ટોરન્ટ બિઝનેસમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. તે મુંબઈમાં પોતાનો રેસ્ટોરન્ટ બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. તેમના માટે તેમને જગ્યા પણ શોધી લીધી છે. તેઓ દિગ્ગજ ગાયક કિશોર કુમારના બંગલામાં પોતાની રેસ્ટોરન્ટ ખોલશે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે પોતે આ વાત જણાવી છે.

કિશોર કુમારનો બંગલો મુંબઈના જુહુ તારા રોડ પર આવેલો છે. આ બંગલાનું નામ ‘ગૌર કુંજ’ છે. આ બંગલામાં કિશોર કુમાર રહેતા હતા. હવે વિરાટ કોહલી આ બંગલો 5 વર્ષ માટે ભાડે લીધો છે. આ બંગલાને રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રેસ્ટોરન્ટ આવતા મહિને શરૂ થઈ જશે.

વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 61 મા સ્થાન પર છે. તે હાલમાં 30 થી વધુ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. એક અનુમાન મુજબ, તેમની કુલ સંપત્તિ 900 કરોડથી વધુ છે. તેણે પોતાના પૈસા ઘણા બિઝનેસમાં રોક્યા છે. તે UAE રોયલ્સ નામની ટેનિસ ટીમના સહ-સ્થાપક છે. આ સાથે, તે Wrogn બ્રાન્ડ અને ISL ના FC Goa ના સહ-સ્થાપક પણ છે.

કિશોર કુમાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેમની કારકિર્દીમાં, તેમણે 100 થી વધુ સંગીત નિર્દેશકો સાથે 2678 ગીતો ગાયા છે. કિશોર કુમાર પણ અભિનય કરતા હતા. તેણે લગભગ 88 ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું છે. લગભગ 35 વર્ષ પહેલા 13 ઓક્ટોબર 1987 ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.