T20 વર્લ્ડ કપ 2022 માં ભારત ભલે નિરાશ થયું હોય, પરંતુ વિરાટ કોહલીનું પ્રદર્શન ટીમ માટે સુખદ બાબત રહી હતી. વર્લ્ડકપ સુધી સંઘર્ષ કરી રહેલા કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ એશિયા કપમાં તેણે ફોર્મમાં પરત ફરવાના સંકેત દેખાડ્યા હતા. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનનો સામનો કરવો પડ્યો હતો અને કોહલી માટે ફોર્મમાં પરત ફરવાની આનાથી વધુ સારી તક કોઈ ન હતી. આ મેચમાં કોહલીએ એવો શોટ માર્યો હતો જેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સર્વશ્રેષ્ઠ T20 શોટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ભારતે પાકિસ્તાન સામે શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી અને તેના માટે ટાર્ગેટ ઘણો મુશ્કેલ બની ગયો હતો. કોહલીએ હાર્દિક પંડ્યા સાથે મળીને મેચને અંત સુધી પહોંચાડી હતી જ્યાં ભારતને આઠ બોલમાં 28 રનની જરૂર હતી. આ સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ ભારતના હાથમાંથી નીકળી જશે, પરંતુ ત્યારે જ કોહલીએ તે શાનદાર શોટ રમ્યો હતો. કોહલીએ હરિસ રઉફની બોલ પર બોલરના માઠા ઉપરથી એકદમ સીધો શોટ ફટકારી સિક્સર ફટકારી દીધી હતી. તેના આગામી બોલ પર પણ સિક્સર ફટકારીને મેચને થોડી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ICC અનુસાર, કોહલીએ જે શોટ લગાવ્યો તે સંજોગો અનુસાર કોઈપણ બેટ્સમેન માટે અશક્યને શક્ય બનાવવા જેવો હતો. ICC એ આ શોટને ટી-20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ શોટ ગણાવ્યો છે. ફાસ્ટ બોલર સામે ફુલ લેન્થ બોલ પર સીધી સિક્સર મારવી ખરેખર પ્રશંસનીય છે.