ICC ODI Ranking માં વિરાટ-રોહિત એક સ્થાનનું નુકસાન, ન્યૂઝીલેન્ડના ટોમ લાથમને 10 સ્થાનનો ફાયદો

ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની ICC ODI રેન્કિંગમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ ટોપ-10 માં છે અને બંનેએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમ્યા ન હતા. ICC રેન્કિંગમાં તેના કારણે બંને બેટ્સમેનોને નુકસાન થયું છે.
વિરાટ એક સ્થાન નીચે સરકીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ રોહિત પણ એક સ્થાનના નુકસાન સાથે નવમા સ્થાને આવી ગયો છે.
બેટ્સમેનોમાં સૌથી મોટી છલાંગ ન્યૂઝીલેન્ડના ટોમ લાથમે લગાવી છે. તેણે ભારત સામેની સીરીઝની પ્રથમ વનડેમાં 104 બોલમાં અણનમ 145 રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે તે 10 સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોની રેન્કિંગમાં 18 માં સ્થાને આવી ગયો છે. કેન વિલિયમસને આ જ મેચમાં 98 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા અને તે એક સ્થાન આગળ વધીને 10 માં સ્થાને પહોંચી ગયો છે.
ભારત માટે અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યર છ સ્થાન આગળ વધીને 27 મા સ્થાને પહોંચી ગયો છે. તે જ સમયે, શુભમન ગિલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 34 માં સ્થાને આવી ગયો છે.
પ્રથમ મેચમાં લોકી ફર્ગ્યુસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 59 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે 32 મા સ્થાને પહોંચી ગયો છે. મેટ હેનરી પણ ચાર સ્થાનનો ફાયદો ઉઠાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકા સામેની મેચમાં અફઘાનિસ્તાન તરફથી સદી ફટકારનાર ઈબ્રાહિમ જાદરાનને 73 સ્થાનનો ફાયદો થયો છે. તે 122 મા સ્થાને આવી ગયો છે. આ સાથે જ તેનો સાથી ઓપનર રહેમાનુલ્લા ગુરબાજ 21 સ્થાન આગળ વધીને 48માં સ્થાને પહોંચી ગયો છે. રહમત શાહે અડધી સદીના આધારે 22મા સ્થાને સ્થાન મેળવ્યું છે. તે અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ ક્રમાંકિત બેટ્સમેન છે.
શ્રીલંકાના વનિન્દુ હસરંગાએ 46 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી અને બે વિકેટ પણ લીધી હતી. ઓલરાઉન્ડર રેન્કિંગમાં તેને નવ સ્થાનનો ફાયદો થયો છે અને તે આઠમા નંબરે પહોંચી ગયો છે.