ઈંગ્લેન્ડની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ગુરૂવારથી રાવલપિંડીમાં ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પહેલા પણ ઈંગ્લેન્ડના ખેલાડીઓ પર વાઈરલ એટેક થઈ ચૂક્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ સહિત ઘણા ખેલાડીઓ બીમાર પડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લેન્ડની ટીમના 14 સભ્યોને ટીમ હોટલમાં આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. બુધવારે પ્રેક્ટિસ કરવા આવેલા માત્ર પાંચ જ ખેલાડીઓ છે. જેમાં જો રૂટ, જેક ક્રાઉલી, હેરી બ્રુક, ઓલી પોપ અને કીથ જેનિંગ્સનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લિશ ખેલાડીઓમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. ટીમ મેનેજમેન્ટને આશા છે કે ખેલાડીઓ 24 કલાકમાં સ્વસ્થ થઈ જશે. બુધવારે જ ઈંગ્લેન્ડે પણ પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. લિયામ લિવિંગસ્ટોન ટેસ્ટમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી રહ્યું છે. શક્ય છે કે ટેસ્ટ સિરીઝના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવે. PCB પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આગળની ઘટનાઓ અંગે અપડેટ કરતું રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંગ્લિશ ખેલાડીઓ અને કેટલાક સ્ટાફ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે અને પેટની તકલીફથી પીડિત છે.