ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા વિસ્ફોટક ઓપનર જેસન રોય પર બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ વાતનો ખુલાસો કર્યો નથી કે, તેણે જેસન રોય પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેસન રોય પર IPL માં ના રમવાના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ECB એ જણાવ્યું છે કે, જેસન રોયે સ્વીકાર્યું છે કે તેનું વર્તન ક્રિકેટના શ્રેષ્ઠ હિતમાં ન હતું અથવા તેનાથી ક્રિકેટ, ECB અને પોતાની છબીને નુકસાન પહોંચ્યું છે. તમને જણાવી દઈએ કે, રોયનો પ્રતિબંધ આગામી બે મેચ માટે છે, પરંતુ જો તેના વર્તનમાં કોઈ ફેરફાર નહીં થાય તો તેને 12 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

પ્રતિબંધ સિવાય જેસન રોયને 2,500 યુરોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ECB એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ક્રિકેટ અનુશાસન સમિતિની અનુશાસન પેનલે જેસન રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય આપ્યો છે. જેસન રોયે તેની સામેના આરોપો સ્વીકાર્યા છે અને તેણે જે વર્તન કર્યું તે તેણે ન કરવું જોઈતું હતું, કારણ કે તેનાથી ક્રિકેટ, ECB અને પોતાની જાતને ખરાબ પ્રતિષ્ઠા થાય છે. જેસને ECB નિર્દેશ 3.3 નું ઉલ્લંઘન કર્યું છે.

તેણે વધુમાં જણાવ્યું છે કે, જેસન રોયને ઈંગ્લેન્ડની આગામી બે મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જેમાં તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સસ્પેન્શન 12 મહિનાનું પણ હોઈ શકે છે. જોકે તે તેમના વર્તન પર આધાર રાખે છે. આ સિવાય તેને 2,500 યુરોનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેણે આ દંડ 31 માર્ચ 2022 સુધીમાં ચૂકવવો પડશે.