ભારતને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. વોશિંગ્ટન સુંદરે અંતમાં આવીને જોરદાર બેટિંગ કરી અને ભારતને 300 ની પાર પહોંચાડી દીધું હતું. વોશિંગ્ટન સુંદરે આ ઇનિંગ સાથે સુરેશ રૈનાનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સુરેશ રૈના ઉપરાંત તે અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવથી પણ આગળ નીકળી ગયો છે. આવો જાણીએ સુંદરે કયો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

વોશિંગ્ટન સુંદરે અંતમાં આવીને 16 બોલમાં 37 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે. સુંદરે 231.25 ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. આ સાથે સુંદર ન્યૂઝીલેન્ડમાં સૌથી ઝડપી 30 થી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે રૈના દ્વારા 2009 માં બનાવેલો રેકોર્ડ તોડ્યો છે. રૈનાએ 18 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 211.11 હતો. 1992 માં કપિલ દેવે ન્યૂઝીલેન્ડમાં 206.25ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 306 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યર, શિખર ધવન અને શુભમન ગીલે અડધી સદી ફટકારી હતી. સ્કોરનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમે 100 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી કેન વિલિયમસન અને ટોમ લાથમે કિવી ટીમને શાનદાર જીત અપાવી હતી. જ્યારે લાથમે 104 બોલમાં અણનમ 145 રન બનાવ્યા તો વિલિયમસને અણનમ 94 રન બનાવ્યા હતા.