વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલે અમેરિકામાં ટી-20 ટૂર્નામેન્ટમાં માત્ર 77 બોલમાં અણનમ 205 રન બનાવ્યા, જેમાં 22 સિક્સર અને 17 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલાન્ટા ઓપન ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં એટલાન્ટા ફાયર તરફથી રમતા કોર્નવોલે તેની બેવડી સદી વડે તેની ટીમને 172 રનથી જીત અપાવી હતી.

જાણીતા આંકડાશાસ્ત્રી મોહનદાસ મેનને ગુરુવારે સવારે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, “વેસ્ટ ઈન્ડિઝના રહકીમ કોર્નવોલે માત્ર 77 બોલમાં અણનમ 205 (સ્ટ્રાઈક રેટ 266.23) ફટકાર્યા, જેમાં 22 સિક્સર અને 17 સિકસરનો સમાવેશ થાય છે. વિજેતા ટીમને 75,000 નું ઈનામ આપવામાં આવશે.

કોર્નવોલના અણનમ 205 રન ઉપરાંત સ્ટીવન ટેલરે 53 અને સામી અસલમે અણનમ 53 રન બનાવ્યા હતા. એટલાન્ટા ફાયરે 20 ઓવરમાં 326 રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્ક્વેર ડાઈવ આઠ વિકેટે 154 રન જ બનાવી શકી હતી.

ઉલ્લેખનીય છે કે, રહકીમે અત્યાર સુધી 66 T20 મેચમાં 1146 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી ફટકારી છે. આ સાથે રહકીમે 31 વિકેટ ઝડપી છે. રહકીમે લિસ્ટ A માં 1350 રન બનાવ્યા છે. આ સાથે તેણે 354 વિકેટ પણ લીધી છે. રહકીમે 9 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં તેણે 34 વિકેટ ઝડપી છે.