ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચમાં ભારતનો 68 રને વિજય થયો હતો. ભારતની આ જીતમાં દિનેશ કાર્તિકની 19 બોલમાં 41 રનની ઈનિંગ ઘણી મહત્વની હતી. તેની જ્વલંત ઇનિંગ્સે ભારતને 20 ઓવરમાં 190 રન સુધી પહોંચાડી દીધું હતું. મુશ્કેલ પીચ પર આ સ્કોર જીતવા માટે પૂરતો હતો. ત્યાર બાદ ભારતીય બોલરોએ વિન્ડીઝની ટીમને નિર્ધારિત ઓવર સુધી માત્ર 122 રન બનાવવા દીધા હતા. દિનેશ કાર્તિકને તેની મજબૂત ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મેચ બાદ દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયામાં પોતાના ફિનિશરની ભૂમિકા વિશે ઘણી વાતો કરી હતી.

દિનેશ કાર્તિક તેના ફિનિશરના રોલ પર કહે છે, ‘હું આ રોલ એન્જોય કરી રહ્યો છું. આ ખૂબ જ રસપ્રદ ભૂમિકા છે. તમે આ ભૂમિકામાં સતત પ્રદર્શન ન કરી શકો પરંતુ તમે કોઈપણ દિવસે આ ભૂમિકા સાથે ટીમ પર પ્રભાવ પાડી શકો છો. આ માટે તમારે કોચ અને કેપ્ટનના સમર્થનની જરૂર છે અને મારી પાસે આ બંને વસ્તુઓ છે.

દિનેશ કાર્તિકે આ દરમિયાન એ પણ જણાવ્યું છે કે, એક સફળ ફિનિશર બનવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે. તેમણે કહ્યું, ‘વિકેટની ગણતરી જરૂરી છે. જ્યારે તમે છેલ્લી ત્રણ-ચાર ઓવરમાં બેટિંગ કરવા જાઓ છો, ત્યારે તમને ઘણી બાબતોની જાણ હોવી જોઈએ જેમ કે બોલનો આકાર, બોલમાં નરમાઈ છે કે નહીં, વિકેટના વર્તનમાં શું બદલાવ આવ્યો છે. આ બધી બાબતોનું મૂલ્યાંકન કર્યા પછી તમારે નિર્ણય લેવાનો છે. આ બધી નાની વસ્તુઓ છે અને તે પ્રેક્ટિસ સાથે ધીમે ધીમે આવે છે.’

વિન્ડીઝ સામે 19 બોલમાં 41 રનની ઈનિંગ પર કાર્તિક કહે છે કે, ‘શરૂઆતમાં વિકેટ આસાન ન હતી પરંતુ જો તમે તેના પર થોડો સમય કાઢશો તો તમે આ વિકેટની ગતિ જાણી શકશો અને તમે અનુભવી શકશો કે અહી ક્યા પ્રકારના શોટ રમી શકાય છે.