મેન્સ ટી20 એશિયા કપ સમાપ્ત થયા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા ટી-20 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. મહિલા ટી20 એશિયા કપ 1 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે 15 ઓક્ટોબરે સમાપ્ત થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે મંગળવારે મહિલા T20 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પુરૂષો બાદ આ વખતે મહિલા એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે શાનદાર મેચ 7 ઓક્ટોબરે રમાશે.

આવતા મહિને બાંગ્લાદેશના સિલ્હેટથી મહિલા ટી20 એશિયા કપની શરૂઆત થશે. તે જ સમયે, 7 ઓક્ટોબરે આ એશિયા કપમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાશે. જે અંતર્ગત ટોપ ચારમાં સ્થાન મેળવનારી ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે. આ સાથે જ એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, યજમાન બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE, થાઈલેન્ડ અને મલેશિયાની ટીમો ભાગ લેશે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ અફઘાનિસ્તાનમાં મહિલા ટીમ નથી. એશિયા કપની પ્રથમ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1 ઓક્ટોબરે રમાશે.

દુબઈમાં રમાયેલા એશિયા કપ 2022 ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પહેલા રમતા 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાએ આઠ વર્ષ બાદ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. મેન્સ એશિયા કપની શરૂઆતમાં શ્રીલંકા જીતશે તેવી કોઈને આશા નહોતી. પરંતુ શ્રીલંકાએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી અને આઠ વર્ષ બાદ એશિયા કપ 2022 મેન્સનો ખિતાબ જીત્યો હતો.