મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં હવે લીગ તબક્કામાં માત્ર ત્રણ મેચ જ બાકી છે. આ ત્રણ મેચોના પરિણામો ટુર્નામેન્ટની બાકીની બે સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરશે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આગામી બે ટીમો માટે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ છે. આવી સ્થિતિમાં ભારતીય મહિલા ટીમ કેવા સંજોગોમાં વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી શકે છે તે નીચે મુજબ છે.

પ્રથમ બાબત ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપની 6 માંથી 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે ટેબલમાં હાલમાં પાંચમા ક્રમે છે. ભારતીય ટીમની લીગ તબક્કામાં એક મેચ બાકી છે. તેને 27 માર્ચે સાઉથ આફ્રિકાનો સામનો કરવો પડશે. જો ભારતીય ટીમ આ મેચ જીતે છે તો તેના 8 પોઈન્ટ્સ થઈ જશે. આવી સ્થિતિમાં તે સીધી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી જશે.

બીજી બાબત જો ભારતીય ટીમ આ મેચ હારી જાય તો પણ તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે, પરંતુ તેના માટે જરૂરી છે કે તે આ મેચ નાના અંતરથી હારે અને આ મેચ પહેલાની મેચમાં બાંગ્લાદેશની ટીમ ઈંગ્લેન્ડને સારા અંતરથી હરાવી દે. તેની સાથે એ પણ જરૂરી છે કે 26 માર્ચે રમાનારી મેચમાં ક્યાં તો પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે અથવા જો ન્યૂઝીલેન્ડ આ મેચ જીતશે તો તે ખૂબ જ ઓછા અંતરથી જીતશે.

ત્રીજી બાબત જો ભારત-દક્ષિણ આફ્રિકા મેચનું પરિણામ બહાર નહીં આવે, તો પણ ભારતને સેમીફાઈનલમાં પ્રવેશ મળશે કારણ કે આવી સ્થિતિમાં તેના 7 પોઈન્ટ હશે અને તે વેસ્ટ ઈન્ડિઝ (7 પોઈન્ટ) ને રનરેટની બાબતમાં પાછો છોડી ટોપ-૪ માં આવી જશે.