ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમે ઇનિંગ્સ અને 39 રનથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. શ્રીલંકાની આ જીત સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. આ જીતથી શ્રીલંકાની ટીમને ઘણો ફાયદો થયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ એક સ્થાન નીચે આવી ગઈ છે.

શ્રીલંકાની ટીમે ટેસ્ટ સીરીઝમાં શાનદાર વાપસી કરી હતી. સોમવારે ગાલે સ્ટેડિયમ ખાતે શ્રીલંકાનો એક દાવ અને 39 રનથી વિજય થયો હતો, કારણ કે ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે દિમુથ કરુણારત્નેની આગેવાની હેઠળની ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી.

સોમવારની જીતથી શ્રીલંકાને ડબલ્યુટીસી સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને પહોંચવામાં મદદ કરી છે. પરંતુ આ સ્ટેન્ડિંગમાં ટોચ પર રહેલી ઓસ્ટ્રેલિયાએ પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા વર્તમાન સમયગાળામાં તેમની પ્રથમ ટેસ્ટ હાર બાદ 70 ટકા સાથે બીજા સ્થાને છે.

કોવિડ-19ને કારણે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી હોવા છતાં શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં સરળ જીત અપાવવામાં સ્ટાર બેટ્સમેન દિનેશ ચાંદીમલ અને ડેબ્યુ કરનાર જયસૂર્યાનો હાથ હતો.

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાને યથાવત છે. આ સાથે જ ભારતની ટીમ પાંચમા સ્થાને છે. બાકીની ટીમો માટે અત્યારે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ લાગે છે.