ભારતના યુવા કુસ્તીબાજ સૂરજ વશિષ્ઠે અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. તેમણે કુસ્તીની 55 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૂરજે ફાઈનલ મેચમાં અઝરબૈજાનના ફારીમ મુસ્તફાયેવને 11-0થી હરાવ્યો હતો. મહત્વની વાત એ છે કે સૂરજ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારો ત્રીજો ભારતીય ગ્રીકો-રોમન રેસલર બન્યો છે. આ પહેલા પપ્પુ યાદવે 32 વર્ષ પહેલા દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અંડર 17 રેસલિંગ ચેમ્પિયનશિપમાં સૂરજની જીત ઐતિહાસિક છે. તે આ ટૂર્નામેન્ટમાં 32 વર્ષ બાદ દેશ માટે ગોલ્ડ મેડલ લાવ્યો છે. આ અગાઉ 1990 માં પપ્પુએ સોનું કબજે કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં આ ત્રીજો ગોલ્ડ હતો. પપ્પુ પહેલા વિનોદ કુમારે 1980 માં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. જો સૂરજની મેચની વાત કરીએ તો તેણે ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી. આ પછી તે આખી મેચ દરમિયાન અઝરબૈજાનના રેસલર પર ભારે રહ્યો હતો.

યુવા રેસલર સૂરજની જીત પર ઘણા લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા દ્વારા સૂરજને અભિનંદન પાઠવ્યા હતા. તેણે સૂરજનો ફોટો ટ્વીટ કરીને લખ્યું, ‘સૂરજે ઈતિહાસ રચ્યો. 32 વર્ષ બાદ U17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે.