ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ચાર વર્ષ પહેલા આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. આ મેચમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. ત્યારપછી બુમરાહે પાછું વળીને જોયું નથી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ચાર વર્ષ પછી, બુમરાહ એ જ મેદાન પર ટેસ્ટ મેચ પહેલા ફરીથી ભાવુક થઈ ગયો. કેપટાઉનમાં સિરીઝની ત્રીજી ટેસ્ટની શરૂઆત પહેલા ભારતીય ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત વ્યક્ત કરી છે.

બુમરાહે ટ્વીટ કર્યું, “કેપટાઉન જાન્યુઆરી 2018, જ્યાં ટેસ્ટ ક્રિકેટમાં મારા માટે બધું જ શરૂ થયું. વર્ષોથી હું એક ખેલાડી અને માણસ તરીકે મોટો થયો છું અને આ મેદાન પર પાછા આવવાથી ઘણી ખાસ યાદો આવી છે.”

ભારત ટેસ્ટ શ્રેણી જીતવા માંગે છે

ભારતે આ શ્રેણીની પ્રથમ મેચ 113 રને જીતી હતી જ્યારે બીજી મેચમાં આફ્રિકાએ સાત વિકેટે જીત મેળવી હતી. હવે બંને ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયા આફ્રિકામાં અત્યાર સુધી કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ જીતીને અહીં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવા ઈચ્છશે. જો કે ભારતીય ટીમ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારતે અહીં પાંચ ટેસ્ટ રમી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે બે મેચ ડ્રો રહી છે.

બુમરાહે 26 મેચમાં 107 વિકેટ લીધી છે

જસપ્રીત બુમરાહે તેની ચાર વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં ઘણી વખત ભારતીય ટીમને જીત અપાવી છે. તેણે 26 મેચમાં 107 વિકેટ લીધી છે. બુમરાહ ભારતના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાંનો એક છે અને તે આવનારા સમયમાં ભારતીય ટીમ માટે મેચ જીતવાનું ચાલુ રાખશે. જસપ્રિતે છ વખત ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે એક મેચમાં 86 રન આપીને નવ વિકેટ ઝડપી હતી. ટેસ્ટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે આ ભારતીય ફાસ્ટ બોલર અત્યાર સુધી એક પણ મેચમાં 10 વિકેટ લઈ શક્યો નથી.