વરિષ્ઠ ઝડપી બોલર મોહમ્મદ શમી બાંગ્લાદેશ સામેની આગામી વનડે સિરીઝનો ભાગ બની શકશે નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવાની છે. શ્રેણીની પ્રથમ મેચ ઢાકામાં રમાશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો ત્યારે લાગ્યો હતો જ્યારે શમી ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેના સ્થાને BCCIએ ટીમમાં યુવા પેસરનો સમાવેશ કર્યો છે.

શનિવારે બીસીસીઆઈ તરફથી મળેલા અપડેટ મુજબ શમીને ખભામાં ઈજા થઈ છે અને તે હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. બોર્ડના સેક્રેટરી જય શાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, શમીને ટ્રેનિંગ સેશન દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. તે હાલમાં NCA, બેંગલુરુમાં છે જ્યાં BCCIની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે. ત્રણ મેચની સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં.

BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ શમીની જગ્યાએ ઉમરાન મલિકને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક, જે કાશ્મીરનો છે, તેણે આ વર્ષે જૂનમાં આયર્લેન્ડ સામે T20 દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝનો ભાગ હતો જ્યાં તેણે ગયા મહિને જ ODIમાં પદાર્પણ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ત્રણ વનડે અને ટી20 જેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે વનડેમાં ત્રણ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વિકેટ ઝડપી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બર, રવિવારથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ઢાકામાં 7 ડિસેમ્બરે બીજી વનડે મેચ રમાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. ત્યારબાદ 14 ડિસેમ્બરથી આ બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.

વનડે સિરીઝ માટેની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.