તાપસી પન્નુની ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠુ’ નું ટીઝર રિલીઝ થવાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. ટીઝરમાં તાપસી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના લૂકમાં અદભૂત જોવા મળી રહી છે. ફિલ્મનું ટીઝર અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેના પર ચાહકો તેમના દિલ ખોલીને પ્રેમ દર્શાવી રહ્યા છે. જ્યારે લોકો અભિનેત્રી લુકને મિતાલી રાજ કહી રહ્યા છે.

તાપસી પન્નુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘શાબાશ મિઠ્ઠુ’નું ટીઝર શેર કરતા કેપ્શનમાં જણાવ્યું છે કે, ‘આ જેન્ટલમેનની રમતમાં, તેણે ઈતિહાસ લખવા કોઈ તસ્દી લીધી ન હતી પરંતુ તેણે પોતાની વાર્તા લખી દીધી હતી!’

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં તાપસી પન્નુ સાથે અભિનેતા વિજય રાજ મહત્વની ભૂમિકામાં છે. વાયાકોમ 18 સ્ટુડિયોએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. તેના નિર્દેશક શ્રીજીત મુખર્જી છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે મેકર્સે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

હવે ટીઝર વીડિયોની વાત કરીએ તો 56 સેકન્ડના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તાપસી મિતાલીના લૂકમાં રમતના મેદાનમાં એન્ટ્રી કરી છે અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલા દર્શકો ત્રિરંગા ઝંડા સાથે તેનું સ્વાગત કરે છે. વિડિયોના બેકગ્રાઉન્ડમાં, સંગીત અને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે, ક્રિકેટ કોમેન્ટેટર મિતાલી રાજ ખૂબ જ શાનદાર રીતે તાપસીને રજૂ કરી રહ્યા છે. તેની સાથે જ તેમની સિદ્ધિઓ અને તેમના દ્વારા બનાવેલા રેકોર્ડનો ઉલ્લેખ કર્યો છે. તાપસી બ્લુ જર્સીમાં અદભૂત લાગી રહી છે. તાપસીની પોસ્ટ પર 14 લાખથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી છે.