ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20I સિરીઝની છેલ્લી મેચમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર વર્લ્ડ રેકોર્ડ તોડવાની અણી પર છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા મંગળવારે સિરીઝની છેલ્લી T20I મેચમાં કેન વિલિયમસનની ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. જો ભુવનેશ્વર આ મેચમાં 3 વિકેટ લેવામાં સફળ રહેશે તો તે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાની બોલિંગની આગેવાની કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 બાદ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસમાં ભુવનેશ્વર T20I રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવવાનો પ્રયાસ કરી શકે છે.

મેન ઇન બ્લુનો અનુભવી ઝડપી બોલર રમતના સૌથી ટૂંકા ફોર્મેટ T20I માં વર્લ્ડ રેકોર્ડ તોડવાની આરે છે. ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વરને T20I ક્રિકેટમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે માત્ર 3 વિકેટની જરૂર છે. ભુવનેશ્વરે વર્ષ 2022માં ટીમ ઈન્ડિયા માટે 36 વિકેટ ઝડપી છે.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આયર્લેન્ડના જોશુઆ બ્રાયન લિટલના નામે છે. આયરિશ બોલરે આ વર્ષે 26 મેચમાં 39 વિકેટ ઝડપી છે. ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વરે 2022માં 31 મેચમાં 37 વિકેટ ઝડપી છે. આ સ્ટાર પેસરના નામે 90 વિકેટ છે. ભુવનેશ્વરે T20I ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે 86 મેચ રમી છે. 32 વર્ષીય ખેલાડીએ 2012માં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.