T-20 વર્લ્ડ કપ 2022 ની તેમની ચોથી મેચમાં, પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે જીત મેળવી છે. વરસાદથી પ્રભાવિત મેચમાં પાકિસ્તાને ડકવર્થ લુઈસ નિયમના આધારે 33 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 185 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ નવ ઓવર જ બેટિંગ કરી શકી હતી કે વરસાદ આવી ગયો હતો. વરસાદને કારણે મેચ 14 ઓવરની કરવામાં આવી હતી અને સાઉથ આફ્રિકાને 30 બોલમાં 73 રન બનાવવાના હતા.

પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 43 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઈફ્તિખાર અહેમદ અને મોહમ્મદ નવાઝે પાંચમી વિકેટ માટે 52 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. નવાઝ 22 બોલમાં 28 રન બનાવીને 13 મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. નવાઝના આઉટ થયા બાદ ઈફ્તિખારને શાદાબ ખાનનો સારો સાથ મળ્યો હતો. શાદાબે ધમાકેદાર બેટિંગ કરતા 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંને વચ્ચે 36 બોલમાં 82 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. શાદાબ 22 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈફ્તિખાર પણ 34 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો.

સ્કોરનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ 16 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સુકાની ટેમ્બા બાવુમા લાંબા સમય બાદ ફોર્મમાં જોવા મળ્યા અને 19 બોલમાં 36 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બાવુમાએ એડન માર્કરામ (20) સાથે ત્રીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. આઠમી ઓવરમાં શાદાબે ત્રણ બોલમાં બંને બેટ્સમેનોને પેવેલિયન મોકલીને પાકિસ્તાનને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. મેચ ફરી શરૂ થઈ ત્યારે સાઉથ આફ્રિકાને પાંચ ઓવરમાં 73 રન બનાવવાના હતા. પાકિસ્તાની બોલરોની શાનદાર બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો લક્ષ્યની નજીક પહોંચી શક્યા ન હતા.