ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટના નંબર-1 બેટ્સમેન તરીકે અકબંધ રહ્યા છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 રેન્કિંગમાં તે ટોચ પર છે. આ ભારતીય બેટ્સમેનના 890 રેટિંગ પોઈન્ટ છે. તેના સિવાય પાકિસ્તાનનો બેટ્સમેન મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે. તેના 836 રેટિંગ પોઈન્ટ છે.

સૂર્યકુમાર યાદવે તાજેતરના સમયમાં T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં તેના બેટથી ઘણા રન થયા હતા. તેણે T20 વર્લ્ડ કપમાં 239 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે માત્ર એક જ વાર આઉટ થયો હતો. આ સિવાય તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ તેના બેટનો દબદબો રહ્યો હતો. તેણે આ સિરીઝમાં 124 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાયેલી બીજી ટી-20 માં તેણે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેના રેટિંગ પોઈન્ટ વધીને 895 થઈ ગયા હતા. પરંતુ આ પછી તે ત્રીજી અને અંતિમ મેચમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે 5 પોઈન્ટનું નુકસાન થયું હતું.

ટીમ ઈન્ડિયાનો સૂર્યકુમાર યાદવ T-20 બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર-1 પર યથાવત છે. આ યાદીમાં પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન 836 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડના ડેવોન કોનવેના 788 રેટિંગ પોઈન્ટ છે અને તે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 778 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામના 748 પોઈન્ટ છે અને તે પાંચમા સ્થાને છે. આ સિવાય ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન 719 પોઈન્ટ સાથે છઠ્ઠા, ન્યુઝીલેન્ડનો ગ્લેન ફિલિપ્સ 699 પોઈન્ટ સાથે સાતમા, સાઉથ આફ્રિકાનો રિલે રોસો 693 પોઈન્ટ સાથે આઠમા, ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ 680 પોઈન્ટ સાથે નવમાં અને શ્રીલંકાના પથુમ નિસાંકા 673 પોઈન્ટ સાથે દસમા નંબર પર છે.