સ્માર્ટફોન કંપનીઓ હવે 10,000 રૂપિયાથી વધુ કિંમતના 4G ફોનનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે. ભારતના ટેલિકોમ અને આઈટી વિભાગના ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં સ્માર્ટફોન નિર્માતાઓએ પોતે આ માહિતી આપી હતી. કંપનીઓએ કહ્યું કે, તેઓ 10,000 રૂપિયા અને તેનાથી વધુ કિંમતના 4G ફોનનું ઉત્પાદન ધીમે ધીમે બંધ કરશે અને 5G ટેક્નોલોજી તરફ વળશે.

વાસ્તવમાં બુધવારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) ના અધિકારીઓએ મોબાઈલ ઓપરેટર્સ અને સ્માર્ટફોન ઉત્પાદકો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં, તેમને ત્રણ મહિનાની સમયમર્યાદામાં 5G સ્માર્ટફોન સાથે તેમની 5G સેવાઓને ટ્યુન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી 5G માટે અપડેટ ન મળવાને કારણે Apple સહિત ઘણા સ્માર્ટફોન યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ટેલિકોમ કંપની એરટેલે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં સ્થાનિક ટેલિકોમ ઓપરેટરના અધિકારીઓ સહિત અગ્રણી સ્માર્ટફોન નિર્માતા એપલ અને સેમસંગના એક્ઝિક્યુટિવ્સ પણ હાજર રહ્યા હતા. સ્માર્ટફોન નિર્માતાઓએ કહ્યું કે, ભારતમાં લગભગ 750 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે. ભારતમાં 100 મિલિયન વપરાશકર્તાઓ પાસે 5G તૈયાર ફોન છે, પરંતુ 350 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ એવા ફોનનો ઉપયોગ કરે છે જે ફક્ત 3G અને 4G સુસંગત છે. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે અમે મંત્રાલયને કહ્યું કે અમારી કંપની 10,000 રૂપિયાથી વધુ કિંમતના 3G-4G ફોનને ધીરે ધીરે બંધ કરશે.

અત્યાર સુધીમાં, Appleના નવીનતમ iPhone 14 અને ઘણા Samsung ફ્લેગશિપ ફોન્સ સહિત ઘણા iPhones એ ભારતમાં 5G ને સપોર્ટ કરવા માટે અપડેટ બહાર પાડ્યું નથી અને આ સ્માર્ટફોન ભારતમાં 5G સુસંગત નથી. આ જ કારણ છે કે આ સ્માર્ટફોન યુઝર્સ 5G કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકતા નથી.

એરટેલે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Apple ના ઘણા મોડલ 5G માટે બિન-સુસંગત છે. એરટેલે કહ્યું હતું કે, તેના ઘણા પ્રીમિયમ વપરાશકર્તાઓ Apple iPhonesનો ઉપયોગ કરે છે અને કંપની 5G કનેક્ટિવિટી અપડેટના અભાવને લઈને ચિંતિત છે.