ફિલાડેલ્ફિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, 10 વર્ષની બાળકી ટિકટોક પર મળેલી ચેલેન્જમાં બ્લેકઆઉટ ગેમ રમી રહી હતી, તે દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ બાળકીના મોતથી નારાજ પરિવારજનોએ ટિકટોક પર બેદરકારી અને ખોટી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો નાયલા એન્ડરસન નામની યુવતી સાથે સંબંધિત છે. નાયલા 10 વર્ષની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતી અને ત્રણ ભાષાઓમાં બોલી શકતી હતી. માતા-પિતાના જણાવ્યા અનુસાર, નાયલા શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોક પર ખૂબ જ એક્ટિવ હતી અને વીડિયો પણ બનાવતી હતી. 7 ડિસેમ્બરે તે ફિલાડેલ્ફિયામાં તેના ઘરે બેભાન અવસ્થામાં મળી આવી હતી. જ્યારે માતા-પિતાએ નાયલાને બેભાન અવસ્થામાં જોઈ ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સારવારના પાંચમા દિવસે તેનું મોત નીપજ્યું હતું. બાળકીના મૃત્યુ બાદ માતા-પિતાએ 12 મેના રોજ ટિકટોક સામે કેસ દાખલ કર્યો હતો.

નાયલાના પિતા એન્ડરસને કહ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સતત ખોટા ઉત્પાદનોનું માર્કેટિંગ કરી રહ્યું છે, જેની બાળકો પર ઘણી અસર થઈ રહી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાયલાના ફોર યુ પેજ પર આવી ઘણી વસ્તુઓ મળી આવી છે જે દર્શાવે છે કે તે બ્લેકઆઉટ ચેલેન્જનું ખતરનાક કામ કરી રહી હતી. પરિવારનો આરોપ છે કે, આ પણ બાળકના મોતનું કારણ છે.

તેમ છતાં ટિકટોકે આ મામલે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. નાયલાના મૃત્યુ સમયે, ટિકટોકે છેલ્લું નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્લેકઆઉટ ચેલેન્જ ટિકટોક દ્વારા શરૂ કરવામાં આવી નથી.