28 એપ્રિલથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના વેક્સીનનું રજીસ્ટ્રેશન શરુ કરી દેવામાં આવ્યું છે. 28 મી એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યાથી વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થયું હતી, પરંતુ લાખો લોકોની ભીડને કારણે કોવિન પોર્ટલ ક્રેશ થઈ ગયું હતું. ઘણા લોકોને ઓટીપીમાં આવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી અને જે લોકોનું રજીસ્ટ્રેશન થયું તો તેમને સ્લોટ જ મળ્યા નહીં.

માત્ર ત્રણ જ કલાકમાં 55 લાખ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને હવે આરોગ્ય સેતુએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પ્રથમ દિવસે 1.32 કરોડ લોકોએ વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડા 28 એપ્રિલની રાત્રે 12 વાગ્યાને બે મિનિટના છે. પ્રથમ કલાકમાં 35 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

હવે જ્યાં સુધી વેક્સીન મેળવવાની વાત છે, તો આરોગય સેતુએ કહ્યું છે કે, અત્યારે માત્ર રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વેક્સીન માટે પરવાનગી આપશે, ત્યારે લોકોને રજીસ્ટ્રેશનના આધારે એપોઇન્ટમેન્ટ મળશે. તમને જણાવી દઈએ કે, બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે 18 વર્ષથી ઉપરના બધાને વેક્સીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે.

હાલમાં ભારતમાં બે રસી આપવામાં આવી રહી છે જે મેડ ઇન ઇન્ડિયા છે. તેમાંથી એક કોવેક્સિન અને બીજો કોવિશિલ્ડ છે. આ સિવાય સ્પુટનિક વીને પણ લોકોને ઉપલબ્ધ કરાવવાનો વિચાર છે. અન્ય કેટલીક વિદેશી વેક્સીનો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.