સોશિયલ મીડિયાના દીવાનાઓ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેમને એક વધુ પ્લેટફોર્મ મળી શકે છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા ઇન્કના સીઇઓ ઇલોન મસ્ક એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમણે શનિવારે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે.

વાસ્તવમાં, ટ્વિટર પર એક યુઝર્સે તેમને પૂછ્યું હતું કે, શું તેઓ એક અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાનું વિચારશે જ્યાં લોકોને બોલવાની અને લખવાની સ્વતંત્રતા હોય, જેમાં જાહેરાત ના બરાબર હોય. તેના પર મસ્કે જવાબ આપ્યો છે કે, ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને લોકશાહીને નબળી પાડી રહી છે.

આ ટ્વીટના એક દિવસ પહેલા એલોન મસ્કે ટ્વિટર પોલ કર્યો હતો, જેમાં તેણે પૂછ્યું હતું કે, શું ટ્વિટર ફ્રી સ્પીચના સિદ્ધાંતનું પાલન કરે છે. આ મતદાનમાં, 70 % થી વધુ લોકોએ ‘ના’ પસંદ કર્યું હતું. તેમણે મતદાન દરમિયાન એમ પણ કહ્યું હતું કે, કૃપા કરીને કાળજીપૂર્વક મતદાન કરો, કારણ કે આ ચૂંટણીના પરિણામો મહત્વપૂર્ણ હશે.

જે રીતના સંકેતો મળી રહ્યા છે, જો મસ્ક તે મુજબ નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઈને આવે છે તો તે ખૂબ જ રોમાંચક હશે અને તે જોવાનું રસપ્રદ રહેશે કે, શું મસ્કનું આ પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા ખેલાડીઓને પડકાર આપશે કે નહીં. વાસ્તવમાં હજુ બજારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટુથ સોશિયલ, ટ્વીટરના પ્રતિયોગી ગેટ્ર અને પાર્લર અને વિડીયો સાઈટ રંબલ જેવા વૈકલ્પિક પ્લેટફોર્મ રહેલા છે, પરંતુ તેમાં કોઈ પણ ઉપર બતાવેલા મોટા ખેલાડીઓને ટક્કર આપતું જોવા મની રહ્યું નથી.