બાળકો પર નજર રાખવા માટે Instagram એ રજૂ કર્યું આ શાનદાર ફીચર્સ

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામે ભારતમાં એક ખાસ ટૂલ લોન્ચ કર્યો છે. આ ટૂલની ખાસિયત એ છે કે, તેની મદદથી પેરેન્ટ્સ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને પોતાના બાળકો પર નજર રાખી શકે છે. કંપનીએ આ ટૂલને Instagram પેરેંટલ સુપરવિઝન ટૂલ નામ આપ્યું છે. આ સાધનનો લાભ એવા માતા-પિતા લઈ શકે છે જેમના બાળકો ફોટો અને વિડિયો શેરિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આ ટૂલની મદદથી માતા-પિતાની તેમના બાળકોની પ્રાઈવસી અંગેની ચિંતાનો અંત આવવા જઈ રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામે ફેમિલી સેન્ટર નામનું ફીચર રજૂ કર્યું છે. જ્યાં માતાપિતા તેમના બાળકો પર નજર રાખવા માટે આ દેખરેખ સાધનને એક્સેસ કરી શકે છે. આ ટૂલ વિશે વાત કરતા, ફેસબુક ઈન્ડિયા (META) ના ઈન્સ્ટાગ્રામ હેડ નતાશા જોગનું કહેવું છે કે આ સુપરવિઝન ટૂલ અને ફેમિલી સેન્ટરની રજૂઆત પાછળનો તેમનો ઉદ્દેશ્ય બાળકોને સુરક્ષિત રાખવાનો છે. તેમણે સમજાવ્યું કે, અમારો હેતુ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા બાળકોની સ્વાયત્તતા અને તેમના બાળકોની ઇચ્છાઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો છે.
નતાશા જોગે જણાવ્યું હતું કે, મેટા કંપની માતા-પિતા અને યુવાનોની જરૂરિયાતોને સમજવા માટે ભારતના નિષ્ણાતો, માતાપિતા, વાલીઓ અને યુવાનો સાથે મળીને કામ કરી રહી છે. માતાપિતાને ડિજિટલ સેવાઓ વિશે શિક્ષિત કરવા માટે, તેમને સાધનો અને સંસાધનોથી વાકેફ કરવા મહત્વપૂર્ણ છે.