Facebook App : મેટા (Meta) લાંબા સમયથી ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક પર નજર રાખી રહ્યું છે. ભારતમાં વર્ષ 2020 થી ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા પછી, મેટાની લોટરી શરૂ થઈ ગઈ છે. તકનો લાભ લઈને મેટાએ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ ફીચર આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલ ફીચરે હવે ભારતમાં ટિકટોકનું સ્થાન લીધું છે, પરંતુ મેટા તેનાથી સંતુષ્ટ નથી. મેટાએ હવે ફેસબુક એપનું ઇન્ટરફેસ પણ બદલી નાખ્યું છે, જેના પછી ફેસબુક એપ ટિકટોક જેવી દેખાય છે. આવો Facebook એપની આ નવી ડિઝાઇન વિશે વિગતોમાં જાણીએ.

Facebook એપમાં ટૂંક સમયમાં એક નવું અપડેટ આવી રહ્યું છે, જેના પછી એક નવું હોમ ટેબ દેખાશે અને આ હોમ ટેબમાં મિત્રોના ફોટા, વીડિયો અને સ્ટેટસ જોવા મળશે. આ હોમ ટેબમાં લાઇક અને ફોલો કરેલા પેજના અપડેટ્સ પણ ઉપલબ્ધ રહેશે. આ ટેબમાં સજેશન પોસ્ટ્સ પણ દેખાશે અને અહીં તમને ફેસબુક બ્રાઉઝિંગ હિસ્ટ્રી સંબંધિત પોસ્ટ્સ પણ જોવા મળશે. એકંદરે, હવે ફેસબુક એપ ટિકટોક જેવી દેખાશે અને ફેસબુક પણ ઇન્સ્ટાગ્રામ જેવું બની જશે.

Facebook એપનું નવું અપડેટ આવતા સપ્તાહથી બહાર પાડવામાં આવશે. નવા અપડેટ પછી, એક સમસ્યા એ થશે કે, જો તમારો કોઈ મિત્ર લાંબા સમય પછી પોસ્ટ કરી રહ્યો છે, તો તેની પોસ્ટ તમારી ટાઈમલાઈન પર આવવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જશે, કારણ કે હવે ફેસબુક એપ્લિકેશન સંપૂર્ણપણે નવા અલ્ગોરિધમ પર કામ કરશે. ફેસબુક હવે તમારી શોધ અને રુચિના આધારે સામગ્રી બતાવશે. નવા અપડેટ પછી, તમને ઘણા શોર્ટકટ બટનો પણ દેખાશે.