હવે તમે Twitter Edit કરી શકશો, આ શરત સ્વીકારવી પડશે

માઈક્રો-બ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર દ્વારા તાજેતરમાં તેના નવા ફીચર Edit Tweet ની જાહેરાત કરવામાં આવી છે. દુનિયાભરના યુઝર્સ આ ફીચરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ટ્વિટરના આ ફીચર વિશે નવી જાણકારી સામે આવી છે, જેમાં યુઝર્સ માત્ર પાંચ વખત ટ્વિટર એડિટ બટનનો ઉપયોગ કરી શકશે. તમને જણાવી દઈએ કે, આ ફીચર્સ વિશે માહિતી આપતા ટ્વિટર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, અમે અમારા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, તેની સાથે જ અમે એ પણ ચેક કરી રહ્યા છીએ કે યુઝર્સ આ ફીચર્સનો કેવી રીતે દુરુપયોગ કરી શકે છે.
વાસ્તવમાં, ટ્વિટરનું આ ફીચર હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે. ફીચર દ્વારા, યુઝર્સ પોસ્ટ કર્યાની 30 મિનિટની અંદર અને માત્ર પાંચ વખત તેમની ટ્વીટ એડિટ કરી શકશે. એક રિપોર્ટ અનુસાર, આ ફીચર પહેલા અમુક દેશોના યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવશે. ત્યાર બાદ તે અન્ય પ્રદેશોના વપરાશકર્તાઓ માટે રિલીઝ કરી શકાય છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફીચર ફક્ત બ્લુ સબસ્ક્રાઇબર્સ માટે જ બહાર પાડવામાં આવશે અને આ માટે તમારે પૈસા ચૂકવવા પડશે. જો કે, હજુ સુધી ટ્વિટર તરફથી બ્લુ સબસ્ક્રાઇબર અને તેના ચાર્જ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ અગાઉ એવું જણાવવામાં આવ્યું હતું કે, આ ફીચરમાં યુઝર્સને માત્ર પહેલી 30 મિનિટ માટે જ ટ્વીટ એડિટ કરવાની સુવિધા આપવામાં આવશે. યૂઝર્સ 30 મિનિટ પછી તેમની ટ્વિટ એડિટ કરી શકશે નહીં. ટ્વિટર અનુસાર, એડિટ કર્યા પછી, ટ્વિટ એક આઇકોન તરીકે દેખાશે, જેમાં અન્ય વપરાશકર્તાઓ માહિતી મેળવી શકે છે કે મૂળ ટ્વિટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ ટ્વીટનો એડિટીંગ ટાઈમ જોઈ શકશે.
હાલમાં જ ટ્વિટર ઈન્ડિયાએ તેના નવા WhatsApp બટન ફીચર્સ વિશે પણ માહિતી આપી હતી, આ ફીચર દ્વારા યુઝર્સને સીધા જ WhatsApp પર ટ્વીટ શેર કરવાની મંજૂરી આપવામાં આવશે. યુઝર્સ એક જ ટેપમાં તેમના વોટ્સએપ ગ્રુપ અને કોન્ટેક્ટ સાથે ટ્વીટ શેર કરી શકશે. ટ્વિટરે કહ્યું હતું કે, અમે અમારા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, જેમાં એક જ ટેપથી ટ્વીટને સીધા જ WhatsApp પર શેર કરી શકાય છે. એવું પણ જાણવા મળે છે કે, ટ્વીટની અંદરના વોટ્સએપ બટનને રેગ્યુલર શેર બટનથી પણ બદલી શકાય છે. હાલમાં, નિયમિત શેર બટન ટ્વીટ લિંકને કોપી કરવા, બુકમાર્ક કરવા, ડાયરેક્ટ મેસેજ દ્વારા મોકલવા અને અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવા જેવા વિકલ્પો મળે છે.