તાલિબાને PUBG પર ‘હિંસાને પ્રોત્સાહન’ આપવાનો આરોપ મૂક્યો, અફઘાનિસ્તાનમાં પ્રતિબંધિત

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જાહેરાત કરી છે કે તેણે હિંસાને પ્રોત્સાહન આપવાના આરોપસર આગામી ત્રણ મહિનાની અંદર PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. અફઘાનિસ્તાનના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે સુરક્ષા ક્ષેત્ર તેમજ શરિયા કાયદા અમલીકરણ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં 90 દિવસની અંદર દેશમાં PUBG મોબાઈલ અને Tiktok પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અફઘાન સમાચાર એજન્સી ખામા પ્રેસ અનુસાર, PUBG મોબાઈલ પર પ્રતિબંધ લાગુ થવામાં 90 દિવસનો સમય લાગશે. તાલિબાને એક મહિનાની અંદર ટિકટોક પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન સરકારે આ અંગે દેશની ટેલિકોમ અને ઈન્ટરનેટ સેવા કંપનીઓને જાણ કરી છે.
તાલિબાન દ્વારા અફઘાન નાગરિકોની 23 મિલિયનથી વધુ વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી PUBG મોબાઇલ અને ટિકટોક પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. વચગાળાની સરકારે આક્ષેપ કર્યો હતો કે વેબસાઇટ્સ અનૈતિક સામગ્રી બતાવી રહી છે. તાલિબાન વહીવટીતંત્રમાં સંચાર મંત્રી નજીબુલ્લાહ હક્કાનીએ જણાવ્યું હતું કે સરકારે 23.4 મિલિયન વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
અફઘાનિસ્તાન પહેલા, ભારતે 2020 માં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત સરકારે આરોપ લગાવ્યો હતો કે, PUBG મોબાઈલ ભારતના સાર્વભૌમત્વની વિરુદ્ધ છે. પરંતુ સરકારની મંજૂરી બાદ PUBG મોબાઈલ પાછલા વર્ષે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા નામના નવા વર્ઝન સાથે ફરી પાછો આવ્યો. પરંતુ સરકારે તાજેતરમાં BGMI પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય પાકિસ્તાને બાળકોમાં હિંસા ફેલાવવા તેમજ તેમને સ્માર્ટફોનનું વ્યસની બનાવવા માટે PUBG મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.