વડોદરામાં ફાયર બ્રિગેડને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 7.5 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે. જેમાં ફાયર સ્ટેશનો, ફાયર વાહનો અને ઘટના સ્થળનું કંટ્રોલ રૂમમાં લાઈવ મોનીટરીંગ કરવામાં આવ્યું છે. આજવા સરોવર, વિશ્વામિત્રી નદી સહિત 9 સ્થળે વોટર લેવલ સેન્ટર લગાવ્યા છે. જેનાથી જળ સ્તરની પળેપળ ની માહિતી લાઈવ મળી રહેશે. જયારે ઇમરજન્સી કોલ અને મેસેજ પણ અધિકારીઓના ફોન પર ઓટોમેટિક આવી જશે. જે ચોમાસામાં પાલિકાની અદ્યતન ટેકનોલોજી ખૂબ કારગર સાબિત થશે.

આ ઉપરાંત વડોદરા શહેર તથા આસપાસ આવેલા જળાશયોના જળસ્તરની માહિતી અધિકારીઓને લાઈવ મળી રહેશે. ગયા વર્ષે સ્માર્ટ સિટી અંતર્ગત 7.5 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા ફાયર બ્રિગેડને સ્માર્ટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના ડાયરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા ફાયરબ્રિગેડને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે, હવે માત્ર બીજા તબક્કાનું ફાઇનલ ટેસ્ટિંગ અને ફાયર જવાનો માટે બે દિવસનો ટ્રેનિંગ પાર્ટ બાકી છે. જે કામગીરી પણ સપ્તાહ દરમિયાન પૂરી થઈ જતા નગરજનોને અત્યંત આધુનિક સિસ્ટમથી સજ્જ ફાયરની સુવિધા મળી રહેશે.

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા દાંડિયા બજાર, વડીવાડી, ટીપી-13, ગાજરાવાડી, પાણીગેટ, જીઆઇડીસી અને દરજીપુરા ઇઆરસી ફાયર સ્ટેશનને કન્ટ્રોલ રૂમના 101 નંબર સાથે જોડી દેવામાં આવ્યા છે. દરેક ફાયર સ્ટેશન તથા ફાયર એન્જિનો ઉપર CCTV કાર્યરત કરાયા છે. બદામડી બાગ ખાતે આવેલા CCC સેન્ટર ખાતે વીડિયો વોલ બનાવવામાં આવી છે. જેમાં લાઈવ સ્ટ્રીમિંગ દેખાશે.