ટ્વિટરના નવા માલિક અને ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે, જાહેરાતકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પરત ફર્યા છે. મસ્કે રવિવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. મસ્ક ટ્વિટર પર પાછા ફરવા બદલ જાહેરાતકર્તાઓનો આભાર માનવા માટે માત્ર એક નોંધ લખી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મસ્કે ટેક્નોલોજી દિગ્ગજ એપલની ટીકા કરતા ટ્વીટ કર્યું હતું કે, એપલે તેના એપ સ્ટોરમાંથી ટ્વિટર પાછું ખેંચવાની ધમકી આપી છે.

વાસ્તવમાં, મસ્કના ટ્વિટર હસ્તાંતરણ બાદથી ઘણા લોકો દ્વારા મસ્કનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, ટ્વિટરના ભૂતપૂર્વ સુરક્ષા વડા યોએલ રોથે મસ્કના નેતૃત્વમાં ટ્વિટરને અસુરક્ષિત ગણાવ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ અને સુરક્ષા ટીમની ચેતવણી છતાં ટ્વિટર બ્લુ પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાં ફેરફાર શરૂ કરવામાં આવ્યો હતો.

પેઇડ બ્લુ સબસ્ક્રિપ્શનમાં યુઝર્સને 8 ડોલરમાં વેરિફાઇડ ચેકમાર્કની સુવિધા આપવામાં આવે છે. પરંતુ કંપનીએ તેના મોટાભાગના કર્મચારીઓને કાઢી મૂક્યા છે, જેનાથી યુઝર્સના ડેટા પર જોખમ પણ વધી શકે છે. તમને જણાવી દઈએ કે, રોથના રાજીનામા બાદ ટ્વિટર પર જાહેરાત કરતી કંપનીઓની સંખ્યા પણ ઘટી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ટ્વિટર પર વિશ્વના સૌથી અમીર વ્યક્તિના સીઈઓનું પદ સંભાળ્યા બાદથી ઘણી કંપનીઓએ જાહેરાત બંધ કરી દીધી છે, આ જાહેરાતકર્તાઓની યાદીમાં ફાઈઝર, જીએમ જેવી અન્ય બ્રાન્ડ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, ટ્વિટર સ્પેસ મંત્રણા દરમિયાન, મસ્કે કહ્યું કે, Apple એ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર જાહેરાત સંપૂર્ણપણે ફરીથી શરૂ કરી દીધી છે. અહેવાલો એમ પણ કહે છે કે, આઇફોન કંપની સોશિયલ મીડિયા નેટવર્ક પર સૌથી મોટી જાહેરાતકર્તાઓમાંની એક છે.