પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 74 રને વિજય થયો હતો. ઈંગ્લિશ ટીમની આ જીતથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થયો છે. હવે ટીમ ઈન્ડિયા ફરીથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની રેસમાં જોડાઈ ગઈ છે. વાસ્તવમાં, પાકિસ્તાનની હાર બાદ ટીમ ઈન્ડિયાએ હવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાની છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં એક મેચ જીતવી પડશે. ભારતીય ટીમ હાલમાં 52.08 પોઈન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે.

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશ સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવી પડશે. ત્યાર બાદ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં એક મેચ પોતાના નામે કરવી પડશે. બીજી તરફ, સમીકરણો અનુસાર, જો ઓસ્ટ્રેલિયન ટીમ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઇટવોશ કરે છે અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતે છે તો ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.

ભારતીય ટીમના હાલમાં 52.08 ટકા માર્ક્સ છે, જો ટીમ ઈન્ડિયાને કોઈ ડિમેરિટ પોઈન્ટ ન મળે તો તે 68.05 માર્કસ સુધી પહોંચી શકે છે. ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયા માટે આ ઘણા પોઈન્ટ પૂરતા હોઈ શકે છે. જો કે, ભારતે બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતવી પડશે.

યજમાન પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 74 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. પાકિસ્તાનને મેચ જીતવા માટે 342 રનની જરૂર હતી, પરંતુ યજમાન ટીમ 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે બેન સ્ટોક્સની ટીમે 74 રનથી મેચ જીતી લીધી હતી.