અંતરિક્ષ વિશે જાણવામાં લોકોને ઘણો રસ હોય છે. આ દરમિયાન અમેરિકન સુપ્રસિદ્ધ કંપની બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસે સામાન્ય લોકોને પણ અંતરિક્ષનો પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. 20 જુલાઈથી જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન પણ સામાન્ય લોકોને અવકાશમાં લઈ જવાની તૈયારી કરી રહી છે.

સ્પેસ ડોટ કોમના એક અહેવાલ મુજબ, રોકેટમેકર બ્લુ ઓરિજિને માહિતી આપી છે કે ન્યૂ શેફર્ડ રોકેટની પહેલી ફ્લાઇટની એક સીટ માટે હરાજી કરવામાં આવશે. સૌથી અગત્યની બાબત એ છે કે આ હરાજીથી પ્રાપ્ત થયેલી રકમ ફાઉન્ડેશન ઑફ બ્લુ ઓરિજિનમાં જશે, જેનાથી ગણિત અને વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન કરવામાં આવશે.

જણાવી દઈએ કે કંપનીએ તેની પહેલી ફ્લાઇટ માટે 20 જુલાઈની તારીખ નક્કી કરી છે. આ તારીખે ચંદ્ર પર માનવીના પ્રથમ પગલાની 52 મી વર્ષગાંઠ હશે. કારણ કે 20 જુલાઈ 1969 ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલું પગલું રાખ્યું હતું. જોકે, કંપનીએ પહેલી ફ્લાઇટ અંગે માહિતી આપતી વખતે આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો નથી.

બ્લુ ઓરિજિન કંપની તેના રોકેટની પહેલી ફ્લાઇટ દરમિયાન સીટની હરાજી કરશે. આ સમય દરમિયાન, મુસાફરને 11 મિનિટની મુસાફરી માટે બેઠક મળશે અને તેને પૃથ્વીથી 100 કિમી ઉપર જવાનો મોકો મળશે. હરાજી દરમિયાન જે ગ્રાહકને બેઠક મળશે તે ચાર દિવસનો અનુભવ મેળવશે. આમાં, ફ્લાઇટ પહેલા ત્રણ દિવસની તાલીમ લેવામાં આવશે, જે ટેક્સાસ સ્થિત કંપનીના લોંચ સાઇટ પર આપવામાં આવશે.