હાલમાં ચીનના ઘણા વિસ્તારોમાં જબરદસ્ત ગરમી પડી હતી. તેથી અહીંનું બીજું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ સુકાઈ ગયું છે. આવી સ્થિતિમાં, અહીંની જમીન પર વિચિત્ર નિશાન બન્યા છે. તેઓ ખૂબ જ ડરામણા દેખાઈ રહ્યા છે. લોકો આ માર્ક વિશે અલગ-અલગ વાતો કરી રહ્યા છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો આ પેટર્નને લઈને પોત-પોતાની દલીલો આપી રહ્યા છે. કેટલાક લોકો દાવો કરે છે કે આ નિશાન એલિયન્સના છે.

બેઇજિંગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે મહિનાના ગંભીર દુષ્કાળને કારણે મધ્ય ચીનના હુનાનમાં 2,800 ચોરસ કિલોમીટરના ડોંગટિંગ તળાવમાંથી 70 ટકા પાણી ગાયબ થઈ ગયું છે. જેના કારણે તળાવના તળિયાના લાલ માટીના ફ્લેટ પર ચોરસ આકારની ઘણી પેટર્ન ખુલ્લી પડી છે. એક સ્થાનિક રહેવાસી, હુએ આ પેટર્નના એરિયલ વિડિયો લીધા હતા. તેણે કહ્યું હતું કે તે એક વિશાળ ભુલભુલામણી જેવા દેખાતા હતા.

અન્ય એક રહેવાસી, યાંગ ઝિન્વેઈએ કહ્યું કે તેમને નથી લાગતું કે આ પેટર્ન મનુષ્યો દ્વારા બનાવવામાં આવી છે. તેણે આગળ કહ્યું, ‘તે પેટર્ન જોઈને આશ્ચર્ય થાય છે. દરેક બ્લોક ફૂટબોલ મેદાન જેટલો હોય છે, જેમાં તે બ્લોક્સની અંદર અસ્થિ શિલાલેખ જેવી પેટર્ન હોય છે. કેટલાક 10 મીટર સુધી લાંબા હોઈ શકે છે.

શું કહે છે નિષ્ણાતો

ન્યૂઝ વેબસાઈટ rednet.cn એ અહેવાલ આપ્યો છે કે પૂર્વ ડોંગટીંગ લેક મેનેજમેન્ટ કમિટીના એક અધિકારીએ પ્રાચીન કબરોની શક્યતાને ફગાવી દેતા કહ્યું હતું કે આ વિસ્તાર હંમેશા પાણી હેઠળ રહ્યો છે. શાંઘાઈ યીશુઈ એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજી કંપનીના વોટર મેનેજમેન્ટ એક્સપર્ટ ઝાંગ વેઈજુને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને જણાવ્યું હતું કે શક્ય છે કે પેટર્ન નાની માછલી પકડવાની જાળ હોય. તેણે કહ્યું, ‘ડોંગટીંગ તળાવ યાંગત્ઝી નદી સાથે જોડાય છે. જેમ જેમ યાંગ્ત્ઝી નદીનું પાણી તળાવમાં પ્રવેશે છે અથવા બહાર જાય છે, તેમ તેમ તેનું પાણીનું સ્તર વધે છે અથવા ઘટે છે. તેથી, માછીમારો માટે આવી જાળથી માછલી પકડવી ખૂબ જ સરળ બની જાય છે.