ભારતમાં ઘણા રિવાજો પ્રચલિત છે. આમાંની મોટાભાગની પ્રથાઓ સારી છે અને કોઈને નુકસાન પહોંચાડતી નથી. પરંતુ કેટલીક પ્રથા એવી છે જેના પર સારા અને ખરાબ વિશે ચર્ચા થઈ શકે છે. પછી કેટલાક રિવાજો એવા પણ છે જે દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય હોય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે દરેક વ્યકિતને તેની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનો અધિકાર છે. તમે તેમને કંઇપણ કરવા દબાણ કરી શકતા નથી. પરંતુ કર્ણાટકના રાયચુર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક 20 વર્ષની બાળકી દેવદાસી પ્રથાના ડરથી તેના ઘરેથી ભાગી ગઈ હતી.

જો કે, યુવતીના માતા-પિતાએ તેને તેની બહેનના પતિ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. છોકરીને આ પસંદ નહોતું. તેણે આ લગ્નનો વિરોધ કર્યો. જોકે, ઘરના સભ્યોએ તેને લગ્ન માટે દબાણ કરવાનું ચાલુ કર્યું હતું. તે લોકોએ તેને ધમકી આપી હતી કે તે તેની બહેનના પતિ સાથે લગ્ન કરે અથવા જીવનભર દેવદાસી પ્રથાનું પાલન કરે. તમને જણાવી દઈએ કે, ભારતમાં દેવદાસી પ્રથા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો કે, હજી પણ ઘણા અહેવાલો મળે છે કે દેશના કેટલાક ભાગોમાં આ પ્રથા ચાલી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ પ્રથા વધુ માનવામાં આવે છે.

તમારામાંથી ઘણા દેવદાસી પ્રથાથી અજાણ હશે. ખરેખર તે હિંદુ ધર્મની પ્રાચીન રીત હતી. આમાં સ્ત્રીના લગ્ન કોઈ ભગવાન અથવા દેવતા સાથે કરાવતા હતાં. પછી તે સ્ત્રી જીવનભર બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરે અને ફરીથી લગ્ન કરી શકે નહીં. રાયચુર જિલ્લાના ચિંચોડી ગામમાં રહેતી મનીષા (નામ બદલ્યું છે) ના માતા-પિતા તેને ધમકી આપતા હતા કે, તે તેની બહેનના પતિ સાથે લગ્ન નહીં કરે તો તેને દેવદાસી પ્રથા અપનાવી પડશે.

આ પ્રથાથી ડરીને, યુવતી તેના ઘરેથી ભાગી ગઈ અને કોઈ સગા સબંધી ને ત્યાં જતી રહી. પરંતુ ગુસ્સે ભરાયેલા માતા-પિતાએ તે સબંધીને પણ ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ પછી તેમણે મહિલા અને બાળ કલ્યાણ કચેરીની મદદ લીધી. મહિલા અને બાળ કલ્યાણ વિભાગની દખલ બાદ મનીષા બચી ગઈ. તેને દેવદુર્ગા વિસ્તારમાં આવેલી આદિજંબાવા એજ્યુકેશન સોસાયટીના મહિલા પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવી હતી.

આ ઘટના બાદ યુવતીએ તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હવે આશ્ચર્યજનક વાત એ છે કે, માતા-પિતાએ પણ તેમની પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે આરોપ મૂક્યો છે કેે, પુત્રી તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે અને આ માટે પૈસા લઈને ભાગી જવાનું વિચારી રહી છે. માતા-પિતાએ વિનંતી કરી હતી કે તેમની
પુત્રીને તેમને પાછી સોંપવામાં આવે. જોકે, પુત્રીએ માતા-પિતા સાથે રહેવાની ના પાડી હતી.

બીજી તરફ વહીવટી અધિકારીઓનું કહેવું છે કે અમે યુવતીને સલાહ આપીશું. જો જરૂર પડે તો સ્વરોજગાર માટે આર્થિક સહાય પણ આપવામાં આવશે. જો છોકરી તેની પસંદના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, તો આ લગ્ન પણ કરાવવામાંં આવશે.