કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એમાં આપણાં શહેરો કે ગામડાઓ પણ બાકાત રહ્યા નથી. પરંતુ કેટલાંક એવા પણ ગામો છે કે જે ગામમાં કોરોનાને પ્રવેશતો અટકાવવા લોકો સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી ગાઇડલાઇનું ચુસ્ત પાલન કરે છે. આજે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની કે જે ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી છે.

આ ગામના લોકો દ્વારા કોરોના ગાઇડલાઇનું ચુસ્ત પાલન કરવામાં આવે છે એટલે જ કોરોના આવ્યાને એક વર્ષ ઉપર થયું છતાં રતનગઢમાં કોરોના વાયરસનો એક પણ કેસ ત્યાં નોંધાયો નથી. રતનગઢ ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લોકો ગામમાં અને મોટાભાગે ખેતરોમાં વસવાટ કરે છે. ગામલોકો ભાઇચારાથી એક સંપ રહીને કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીના નિયમોના પાલન સાથે ધંધો-વ્યવસાય કરે છે. ગામમાં આજદિન સુધી એક પણ કોરોના કેસ નોંધાયો નથી. એનું કારણ ગામ લોકો પોતાના કામ માટે કરીયાણું ખરીદવા કે અનાજ દળાવવા કે દુઘ ભરાવા માટે કે સહકારી મંડળી ઉપર ખાતર ખરીદવા કે કપડાં ખરીદી કે હેર સુલન ઉપર જાય છે ત્યારે સરકારે જાહેર કરેલા નિયમોનું પોતાની રીતે પાલન કર છે. એના માટે કોઇ ફરજ પાડવામાં આવતી નથી. આ ગામ લોકોએ એક સંકલ્પ કર્યો છે કે અમારું ગામ કાયમ કોરોના વાયરસ મુક્ત રહે એટલે અગત્યના કામ વગર લોકો ઘરની બહાર નિકળતા પણ નથી.

કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરીથી ૭ કિ.મી. અંતરે આવેલું રતનગઢ ગામ એક સંપ બનીને, નિયમોના પાલન સાથે કોરોના વાયરસ સામે અડીખમ છે. રતનગઢ ગામમાં લોકોની જાગૃતિ અને ગ્રામ પંચાયતના એકતાના દર્શન થાય છે. લોકો ઘરની બહાર પગ મુકે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને નિકળે છે. લોકો એકબીજા વચ્ચે અંતર રાખે છે. વારંવાર હાથ ધોવા એ તો હવે ટેવ પડી ગઇ છે. કોરોના પ્રતિરોધક રસી પણ લોકોએ વયજુથ પ્રમાણે મુકાવી દીધી છે.

આ અંગે ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારું રતનગઢ ગામ આજે પણ કોરોના વાયરસ મુક્ત ગામ છે, એનું મુખ્ય કારણ ગામના દરેક લોકો સ્વયંભૂ કાયદા અને સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરે છે. તેમણે કહ્યું કે, સરકાર ની ગાઈડલાઈન અને જિલ્લા વહીવટી તંત્રને અમારું ગામ ખુબ માન આપે છે. તેમણે જિલ્લા કલેકટર આનંદ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમારું રતનગઢ ગામ આજે પણ કોરોનામુક્ત છે એ બદલ કલેકટર એ ગ્રામજનોનો આભાર માની ગામની મુલાકાત કરવાનું જણાવ્યું છે એ અમારા ગામ માટે સન્માન અને ગૌરવની બાબત છે.