કેનેડાના વાનકુવર માં ભારે ગોળીબારમાં 2 ના મોત, જવાબી કાર્યવાહી માં હુમલાખોરો પણ માર્યા ગયા

કેનેડાના વાનકુવરમાં જોરદાર ગોળીબાર થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લેંગલી અને લેંગલી ટાઉનશિપમાં 5 જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું છે. એક જ હુમલાખોરે તમામ જગ્યાએ ગોળીબાર કર્યો, જેના કારણે 4 લોકો ઈજાગ્રસ્ત થયા અને બે લોકોના મોત થયા અને બે લોકો હોસ્પિટલમાં દાખલ છે.
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હુમલાખોરે બેઘર લોકો પર હુમલો કર્યો હતો પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. લેંગલી પોલીસ ચીફ ગાલિબ ભાયાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું પુષ્ટિ કરી શકું છું કે, 4 લોકોને ગોળી વાગી છે, જેમાંથી 2ના મોત થયા છે, જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે. અન્ય એક ઈજાગ્રસ્તને પગમાં ગોળી વાગી છે. પોલીસ અધિકારીઓ પીડિતો અને શંકાસ્પદોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો વચ્ચે કોઈ સંબંધ છે કે, કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસના પ્રવક્તા સાર્જન્ટ રેબેકા પાર્સલોએ બ્રિટિશ કોલંબિયાના લેંગલી શહેરમાં થયેલી હિંસા વિશે કહ્યું છે કે, આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ કરી શકીએ છીએ. તે જ સમયે, આ કેસની તપાસ કરી રહેલા ડેવિડ લીએ કહ્યું છે કે, આ લોકો કોણ છે અને શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું તેની તપાસ ચાલી રહી છે. આ ક્ષણે તે પુષ્ટિ કરવા સક્ષમ નથી કે આ લોકો બેઘર હતા.